બનાસકાંઠા શિક્ષણજગતના હિતરક્ષક શ્રી શિરીષકુમાર મયાચંદભાઈ મોદીનું શુક્રવારે તા.૨૫-૦૯-૨૦૨૦ના રોજ નિધન થયું છે. તેઓ એક પ્રખર ધારાશાસ્ત્રી હતા. તેઓએ સને ૧૯૯૯ અને ૨૦૦૧માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકેનું પ્રતિષ્ઠાભર્યું પદ શોભાવ્યું હતું. તેઓ સને ૧૯૭૯થી દીર્ઘકાળ સુધી બનાસકાંઠા ડિસ્ટ્રિકટ કેળવણી મંડળ, પાલનપુરના પ્રમુખ તરીકે યશસ્વી સેવા આપ્યા બાદ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત હતા.
વિદ્યામંદિર ટ્રસ્ટ, પાલનપુરની સ્થાનિક વ્યવસ્થાપક સમિતિ (વહિવટી)ના અધ્યક્ષ તરીકે તેઓ અમૂલ્ય સેવાઓ પ્રદાન કરી રહ્યા હતા. વિદ્યામંદિર ટ્રસ્ટને હરહંમેશ તેઓની ગજબની કોઠાસૂઝ અને વિચક્ષણ બુદ્ધિપ્રતિભાનો લાભ મળતો રહ્યો હતો. નિયમિતતા, શિસ્તપાલન અને સેન્સ ઓફ હ્યુમર એમના પ્રભાવશાળી વ્યક્તિત્વના ગુણ હતા. એમના નિધનથી સમસ્ત વિદ્યામંદિર પરિવારે એક મોભી અને દીર્ઘદૃષ્ટા માર્ગદર્શકને ગુમાવ્યા હોવાની લાગણી અનુભવી છે.
પરમકૃપાળુ પરમાત્મા એમના દિવંગત આત્માને ચિર શાંતિ અર્પે એવી ભાવભીની શ્રદ્ધાંજલિ સમસ્ત વિદ્યામંદિર પરિવાર અર્પણ કરે છે.
વિદ્યામંદિર ટ્રસ્ટની ઝળહળતી પ્રગતિમાં એમણે આપેલું યોગદાન ચિરસ્મરણીય બની રહેશે.